Posts

ભલા માણસ ઓછાં થયા.. કેમ?

ભલા બનવામાં કોઈ સાર નથી. લોકો હંમેશા ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. જો કોઈ સાથે સારી રીતે વાત કરી તો એ હોશિયાર અને તમે ડોબાં, આવું માની લેનારા લોકો સમાજ માં ફરી રહ્યા છે. અને હા મારે એમ પણ કહેવું છે કે જો તમે સારાં કપડાં ન પહેર્યા તો તો તમે ભિખારી અને એ તવંગર. વાહ… શું વાત છે. આવા સમાજ ને હું નવ ગજ ના નમસ્કાર કરૂ છું.

હોશિયાર ડોબાં

આજે બે વાત કહેવાનું મન થાય છે. એક તો જે લોકો સારૂ કમાય છે તે પોતાની આવડત થી કમાતા હોય તે જરૂરી નથી. કોઈના નસીબનું પણ કમાતા હોય. માટે સારુ કમાતા બધા લોકો હોશિયાર હોય છે તેમ નથી, તે જ રીતે વિપરીત સારુ ના કમાતા લોકો હોશિયાર નથી હોતા તેમ નથી, નસીબ પણ ભાગ ભજવે છે. બીજી વાત એ કરવી છે કે પોતાની જાત ને હોશિયાર બતાવવા માટે બીજાને ડોબાં સાબિત કરવાની જરૂર નથી. આપણે માણસો છીએ, લાગણી, પ્રેમ અને કરુણા આપણા હૃદયમાં જન્મથી જ હોય છે.

વિચાર-જન્મ-મૃત્યુ

જે વિચાર નો જન્મ ઝડપથી થાય છે, તે વિચારનું મૃત્યુ પણ ઝડપથી થાય છે. - અશંક્ય

કોર્પોરેટ ખો

વારા ફરથી વારો, મારા પછી તારો. ના આતો કોર્પોરેટ ખો છે. મારું કામ તું કર, ને તારું તારાથી નીચેનાં માણસ પાસે કરાવ. જેવુ મને બોસ કામ આપે કે ખો દઉં તને. ખો ખો ચાલી રહી છે કોર્પોરેટ જગતમાં.

આત્મા શું છે?

Blood is Soul. रक्त आत्मा है. લોહી આત્મા છે. જ્યાં સુધી લોહી નો પ્રવાહ શરીર માં ચાલુ રહે ત્યાં સુધી પ્રાણી જીવિત હોય છે. જો તેનો પ્રવાહ કોઈ એક અંગ સુધી પહોંચવાનો  બંધ થઈ જાય તો તે અંગ નકામું પડી જાય છે. જો આમ હોય તો આત્મા એ લોહી છે અથવા આત્માનો લોહી સાથે સીધો સંબંધ છે.

વિચાર કરી વિચાર જો

જો કોઈ એમ કહે કે તમારા સારા માટે હું તમારા ભાઈ ને મદદ કરૂ છું કે તમારા સારા માટે હું તમારા માણસ ને મદદ કરૂ છું. તો વિચાર કરી વિચાર જો, એ વાતની હકીકત એક વાર એ ત્રીજી વ્યક્તિ પાસે થી જાણો. કારણ કે જે માણસ તમારું સારુ ઇચ્છતો હોય એ, તમને મદદ કરવા ને બદલે ત્રીજી વ્યક્તિ ને મદદ કરી એમ જતાવે કે એ તમારા સારા માટે કરી રહી છે, તો મદદ કરતા પહેલા શું એમની ફરજ નથી કે તમારી સાથે એક વાર વાત કરી જુએ. તમારા એ ત્રીજી વ્યક્તિ સાથે કેટલા સારા સંબંધ છે તે જાણવું જરૂરી નથી? તમને એ વાત ગમશે કે નહીં તે હકીકત જાણયા વગર જ, બસ તમે મને મદદ કરી અને મેં તમારા ભાઈને કે માણસ ને મદદ કરી મારો હિસાબ બરાબર કરી દીધો તેમ માનવું અને કરવું, તે મૂર્ખતા છે. 

સાહેબ હું તમારો....

જો બધા આ જગત માં સાહેબ બની જશે, કે સાહેબ હોવાનું માની અને સાહેબ જેવું વર્તન કરશે, તો સાહેબનું કામ કોણ કરશે?

કર્મ

કર્મ ની ગતિ ન્યારી... મૂરખ રાજા રાજ કરે, ને... પંડિત ભયો ભિખારી.

ભાગ્ય

અથાગ મહેનત કરવાથી, ભાગ્ય બદલાઈ ન શકે. ભાગ્યને ના માનનાર પણ ભાગ્યને આધીન છે. કર્મ અને ભોગવટો, શ્રદ્ધા - અંધશ્રદ્ધા ને વશ નથી. પ્રાઈમ મિનિસ્ટર ના સલાહકાર, કેમ  પ્રાઈમ મિનિસ્ટર નથી બની શકતા?

કંગાળ કોણ?

આ બ્રહ્માંડ માં સૌથી મૂલ્યવાન સમય છે, સમય અમૂલ્ય છે, અણમોલ છે. સમય ક્યારેય કોઈ વ્યસ્ત વ્યક્તિ માટે રોકાતો નથી.  અર્થાત્ જે લોકો પાસે સમય છે તે સૌથી ધનવાન છે. તાત્પર્ય - જે લોકો પાસે લાખો - કરોડો રૂપિયા છે પણ સમય નથી તેઓ કંગાળ છે.

સ્મશાન - યાત્રા વૈરાગ

માણસ ની મનઃસ્થિતિ જેવી તીર્થ યાત્રા અને સ્મશાનમાં હોય છે, તેવી હંમેશા રહે તો શું, દુઃખ તેને સ્પર્શ કરી શકે ?

સનાતન સુખ

સતત પ્રયત્ન અને સારાં કર્મો હંમેશા સારું ફળ આપે જ છે. કરેલું ક્યારેય વ્યર્થ જતું નથી. પોતાની સચ્ચાઈ અને ઈમાનદારી માણસ ને ભલે ધન - વૈભવ ન અપાવી શકે, પરંતુ ક્યારેય દુઃખી થવા દેશે નહીં. કપટ અને અનીતિ માણસ ને ક્ષણિક સુખ આપી શકે છે, પરંતુ સનાતન સુખ માટે સત્યનો માર્ગ શ્રેષ્ઠ છે.

પાછાં આવો છો?

ઘણા લાંબા સમય પછી મેં એ અવાજ સાંભળ્યો... હકીકતમાં એ મારા અંતરાત્માનો અવાજ હતો. હું નક્કી ના કરી શક્યો કે એ અવાજ હૃદય સુધી આવ્યો કેવી રીતે. મેં એ અવાજને ઝીણવટ થી સાંભળ્યો, તેની મને નવાઈ લાગી. મેં એને અનુસરવાનું નક્કી કર્યું. ત્યારે મને જ્ઞાન થયું કે હું અત્યાર સુધી ફક્ત દેખાડો કરવા ના પ્રયાસમાં જીવન જીવી રહ્યો હતો. મેં મને ક્યાંક દૂર ખૂણામાં બેસાડી દીધો હતો. જીવન જીવવાની કલા એ મારી શાળામાં એક વિષય હતો "જીવનકલા", એ સમયે મને એમાં સમજણ ઓછી જ પડતી હતી. પણ જ્યારે આ અવાજ સાંભળ્યો ત્યારે એ શીખેલા પાઠ બધા તાજાં થઈ ગયા. મેં ખૂણામાં બેઠેલા મને ઢંઢોળી ને જગાડ્યો આ સમય વહી રહ્યો છે, જે ક્યારેય પાછો ફરવાનો નથી. કેટલાય વર્ષો મેં અંધકારમાં ગાળી નાખ્યા. બધા જ સામાજિક અને ભૌતિક, આત્માને બંધનમાં રાખતા તમામ વિષયો ને એ ખૂણામાં બેસાડી હું પાછો ફર્યો. તમે ક્યારે પાછાં આવો છો?

સાંભળો તો ખરા

જે માણસ ક્યારેક જ કોઈની વાત સાંભળવા નવરો રહે, અને બાકી સમય પોતે બોલવામાંજ વિતાવે તે લોકોને જો નાત બહાર કાઢવામાં આવે તો બહુ ઓછા લોકો શેષ છે. કેમ? કેમ લોકો પોતાના વખાણ કરવામાંથી બહાર નથી આવતા? તમે સમજી શકો તો મને સમજાવ જો.

હાનિકારક ઉપસ્થિતિ

એવા લોકોને જીવન માંથી દૂર કરો, જેની ઉપસ્થિતિ તમારા વિચારોને વ્યક્ત ના થવા દે. આપણા જીવનમાં એવા ઘણા લોકો હોય છે જેની ઉપસ્થિતિથી આપણે તકલિફ અનુભવીએ છીએ, તો આવા લોકોને આપણા જીવનમાં થી ધિરે ધિરે કાઢી નાખવા એ જ શાણપણ છે.

ભેદ

માણસ ખોવાઈ રહ્યો છે, ખોવાઈ ગયો છે. ક્યાં જવું તે ખબર નથી અને ક્યાં જશે તે જાણતો નથી. જીવન નિર્વાહના પ્રયાસમાં, જીવન ટૂંકાવી રહ્યો છે. ક્યારે સમજાશે, આ અમીરો ના ઘર ભરવાની પ્રક્રિયા નો ભેદ.

માણસ બદલાય છે?

ક્યારેય ન સમજાય તેવી વાત તો એ છે કે માણસ બદલાય છે કેવી રીતે? માણસ તો એ નો એ જ હોય છે. પછી એમાં બદલાઈ શું જાય છે?  ઘણી વાર મેં લોકોને એમ કહેતા સાંભળ્યા છે. એ તો બદલાઈ ગયો છે. એતો હવે પહેલા જેવો રહ્યો નથી. મારા દોસ્ત જ્યારે મન માં એમ વિચાર આવે ત્યારે સમજ જો કે, એ તો એવો ને એવો જ છે. એની ગરજ અને તારો સમય બદલાઈ ગયો છે. - અશંક્ય

સમજવાની સમજણ

ભગવાન ત્યાં નથી જ્યાં તમે જોઈ રહ્યા છો, ભગવાન ત્યાં છે જેનાથી તમે જોઈ રહ્યા છો. - અશંક્ય

સલાહકાર કોણ છે

સલાહકાર બદલાય તોય માણસનું વર્તન બદલાતું હોય છે. કોઈ ને દોષ દેતા પહેલાં, તેમની આસપાસ ના સલાહકાર કોણ છે તે વિચારી જો જો. એ બદલાશે ત્યારે તેમનું વર્તન પણ બદલાશે.