એ ધુમ્મસમાં અદ્રશ્ય થતા જોયા...

હજી સવાર થવાની બાકી હતી, લોકોનું ટોળું ગામ બહાર જઈ રહ્યું હતું. બે ભેંસો અને પાંચ ગાયો સાથે હતા. નાના બાળક ને કેડમાં તેડીને તેની મા જઈ રહી હતી. ત્રણ બીજી સ્ત્રીઓ હતી અને પાંચ પુરુષ હતાં. આ લોકોનો સામાન પણ પોતાની સાથે હતો. આ લોકો કોણ છે તેની મને હજી સુધી ખબર ન હતી. ગાયોની ડોકમાં બાંધેલી ઘંટડીઓ અવાજ કરી રહી હતી. વાતાવરણમાં ધુમ્મસ હતું. શ્વાચ્છોશ્વાસ દરમિયાન આ ધુમ્મસના કારણે નાક માંથી જાણે ધૂ્માડા નીકળતા હોય તેમ લાગતું હતું. પાછળ એક કૂતરું જાણે કંઈ કહેવા માટે એમની પાછળ જતુ હોય તેમ લાગતું હતું. સ્ત્રીઓએ કાળા અને પુરૂષોએ ધોળા કપડાં પહેર્યા હતાં. ખભે કાંબળી હતી અને હાથમાં લાકડી માથે સાફો હતો અને મુછો દાઢી વાળા આ પડછંદ પુરુષો ખોંખારો ખાઈને આગળ વધી રહ્યા હતાં. કાંટાની વાડે વાડે ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતાં તે સમયે પગરખાં થી આછી આછી ધૂડ ઊડી રહી હતી. એક સસલું તેમની આગળથી પસાર થઈ ગયું. ટોળા માંના એક સભ્યએ પાછળ વળીને જોયું. નીચું માથુ કરી એક શ્વાસ ભરીને આગળ વધ્યા. બાજુ વાળા માણસે તેમના ખભે હાથ મુકી માથુ હલાવી કંઈ કહ્યું... હોઠ બીડેલા હતા અને આંખો ઝીણી, કપાળ પર સહેજ કરચોલી આવી અને ભમ્મરો ઊંચી થઈ.... બે ડગલા વધારે આગળ ચાલ્યો ગયો તે માણસ... એકલો એકલો આગળ વધ્યા કરતો હતો જાણે લાગતું કે બધા તેની પાછળ છે. કોઈ કોઈની સાથે વાત કરતું ન હતું. બધા બસ આગળ આગળ ચાલ્યા જતા હતા..... હું આ જોઈને ત્યાં જ થીજી ગયો... મેં એમને એ ધુમ્મસમાં અદ્રશ્ય થતા જોયા...

Comments

Popular posts from this blog

પ્રેમ અને નોકરી

પ્રેમ ને વહેવા દો…

અજાણતા...