મને કહેશે કોણ?

એકલાં અટૂલાં પડી ગયા પછી ધીરે ધીરે આગળ વધવાનો પ્રયત્ન કર્યો. વરસાદની રાત હતી અને વાતાવરણ ભેજ થી ભરપૂર, ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. કૂતરાઓ આમ-તેમ ફરી રહ્યા હતા. તમામ રસ્તા તથા આસ-પાસ નું બધું જ પાણી પાણી થઈ ગયુ હતું. વરસાદ થંભી તો ગયો હતો પણ વાતાવરણમાં થી તેનો અનુભવ ગયો ન હતો. લીમડાના પલળી ગયેલા પત્તાઓ પરથી પાણીના ટીંપા પડી રહ્યા હતા. ઊપર જોયું ત્યાંતો એક ટીંપુ મારા ગાલ પર આવીને ટપ દઈ અડ્યું અને લસરીને મારા ગળા સુધી આવી ગયું. મને ઝાડ પર કોઈ હોવાનો આભાસ થયો. મેં ફરી એક વાર ધ્યાન કેન્દ્રિત કર્યું, ત્યાં મને કોઈ દેખાયું નહીં. હું ધીરે ધીરે આગળ વધવા લાગ્યો. હજી તો આઠ દસ પગલા માંડ ચાલ્યો હોઈશ ત્યાં પાછળથી સૂનકાર રસ્તા પર કોઈ આવીને મને બૂમ મારે છે. એ ...... કોણ છે.... મેં પાછળ જોવાની હિંમત ના કરી હું આગળ વધતો ગયો. તે માણસ હતો.... મારી પાસે આવી ને કહ્યું જવાબ કેમ નથી આપતો લ્યા. મોં માં મગ ભર્યા છે. મેં કહ્યું બસ હું બોલવા જ જતો હતો ને તમે મારી પાસે આવી ગયા. આટલો બધો ગભરાયેલો કેમ છે. પેલા ભાઈએ મને પૂછ્યું. મેં કહ્યું... કાંઈ નહીં. શું વાત કરો છો, હું ક્યાં ગભરાયેલો છું. પેલા એ કહ્યું સારુ... સારુ.... તો પછી મારો ભ્રમ હશે. તો સાંભળ તું ગભરાયેલો નથી એટલે કહું છું. અહીં મોટી રાત્રે ફરવું સારું નથી. પેલું લીમડાનું ઝાડ દેખાય છે..... બસ ત્યાં જ હું બેઠો હોઈશ કંઈ કામ હોય તો બૂમ માર જે... એટલું કહી પેલો માણસ લીમડા તરફ ચાલવા લાગ્યો... હા એ જ લીમડો જેના પત્તા પરથી એક ટીંપુ મારા ગાલ પર આવી ને પડ્યું હતું.

આગળ રસ્તો અંધારિયો હતો... કાંઈ દેખાતું ન હતું... મેં મારા હાથમાં ફાનસ લીધું અને થોડું વધારે અજવાળું કર્યું રસ્તો કાંઈ દેખાતો નથી... બસ હું જ્યાંથી ચાલી રહ્યો છું... તેની આસ-પાસ ત્રણ-ચાર ફૂટ સુધીનો પ્રકાશ પથરાયેલો છે. હું જેમ જેમ આગળ જાઉં છું... તેમ તેમ રસ્તો મળ્યા કરે છે. પાછળ વળીને જોયું તો પેલો માણસ ત્યાં દેખાતો ન હતો. હું ઊભો રહ્યો. મારે ક્યાં જવાનું છે તે મને યાદ રહ્યું ન હતું.... મેં ઘણો સમય ત્યાં ઊભા રહી વિચાર કર્યો પણ મને કાંઈ યાદ ન હતું કે હું ક્યાંથી આવ્યો અને ક્યાં જઈ રહ્યો હતો.... બાજુમાં રેલવે સ્ટેશન હોય તેમ મને લાગ્યું. મેં તે તરફ ચાલવાનું શરૂ કર્યું. હા એ રેલવે સ્ટેશન જ હતું. મારો પગ પાણી ભરેલા ખાબોચીયામાં પડ્યો મારું આખું શરીર ઠંડી થી થથરી રહ્યું હતું. આસ પાસ કોઈ દેખાતું ન હતું. રેલવે સ્ટેશન પર થોડા માણસો સૂતા હતા. મારી પણ આંખો ઊંઘથી ઘેરાઈ રહી હતી... હું પરાણે જાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. શરીર થાક થી ભરાઈ ગયુ હતું. મારે ક્યાં જવાનું છે એ જો ખબર પડી જાય તો હું ત્યાં પહોંચી જાઉં પણ મને કહેશે કોણ?

Popular posts from this blog

મારે થોડું રડવું છે

આજનો આદિમાનવ

કંગાળ કોણ?