Posts

સનાતન સુખ

સતત પ્રયત્ન અને સારાં કર્મો હંમેશા સારું ફળ આપે જ છે. કરેલું ક્યારેય વ્યર્થ જતું નથી. પોતાની સચ્ચાઈ અને ઈમાનદારી માણસ ને ભલે ધન - વૈભવ ન અપાવી શકે, પરંતુ ક્યારેય દુઃખી થવા દેશે નહીં. કપટ અને અનીતિ માણસ ને ક્ષણિક સુખ આપી શકે છે, પરંતુ સનાતન સુખ માટે સત્યનો માર્ગ શ્રેષ્ઠ છે.

પાછાં આવો છો?

ઘણા લાંબા સમય પછી મેં એ અવાજ સાંભળ્યો... હકીકતમાં એ મારા અંતરાત્માનો અવાજ હતો. હું નક્કી ના કરી શક્યો કે એ અવાજ હૃદય સુધી આવ્યો કેવી રીતે. મેં એ અવાજને ઝીણવટ થી સાંભળ્યો, તેની મને નવાઈ લાગી. મેં એને અનુસરવાનું નક્કી કર્યું. ત્યારે મને જ્ઞાન થયું કે હું અત્યાર સુધી ફક્ત દેખાડો કરવા ના પ્રયાસમાં જીવન જીવી રહ્યો હતો. મેં મને ક્યાંક દૂર ખૂણામાં બેસાડી દીધો હતો. જીવન જીવવાની કલા એ મારી શાળામાં એક વિષય હતો "જીવનકલા", એ સમયે મને એમાં સમજણ ઓછી જ પડતી હતી. પણ જ્યારે આ અવાજ સાંભળ્યો ત્યારે એ શીખેલા પાઠ બધા તાજાં થઈ ગયા. મેં ખૂણામાં બેઠેલા મને ઢંઢોળી ને જગાડ્યો આ સમય વહી રહ્યો છે, જે ક્યારેય પાછો ફરવાનો નથી. કેટલાય વર્ષો મેં અંધકારમાં ગાળી નાખ્યા. બધા જ સામાજિક અને ભૌતિક, આત્માને બંધનમાં રાખતા તમામ વિષયો ને એ ખૂણામાં બેસાડી હું પાછો ફર્યો. તમે ક્યારે પાછાં આવો છો?

સાંભળો તો ખરા

જે માણસ ક્યારેક જ કોઈની વાત સાંભળવા નવરો રહે, અને બાકી સમય પોતે બોલવામાંજ વિતાવે તે લોકોને જો નાત બહાર કાઢવામાં આવે તો બહુ ઓછા લોકો શેષ છે. કેમ? કેમ લોકો પોતાના વખાણ કરવામાંથી બહાર નથી આવતા? તમે સમજી શકો તો મને સમજાવ જો.

હાનિકારક ઉપસ્થિતિ

એવા લોકોને જીવન માંથી દૂર કરો, જેની ઉપસ્થિતિ તમારા વિચારોને વ્યક્ત ના થવા દે. આપણા જીવનમાં એવા ઘણા લોકો હોય છે જેની ઉપસ્થિતિથી આપણે તકલિફ અનુભવીએ છીએ, તો આવા લોકોને આપણા જીવનમાં થી ધિરે ધિરે કાઢી નાખવા એ જ શાણપણ છે.

ભેદ

માણસ ખોવાઈ રહ્યો છે, ખોવાઈ ગયો છે. ક્યાં જવું તે ખબર નથી અને ક્યાં જશે તે જાણતો નથી. જીવન નિર્વાહના પ્રયાસમાં, જીવન ટૂંકાવી રહ્યો છે. ક્યારે સમજાશે, આ અમીરો ના ઘર ભરવાની પ્રક્રિયા નો ભેદ.

માણસ બદલાય છે?

ક્યારેય ન સમજાય તેવી વાત તો એ છે કે માણસ બદલાય છે કેવી રીતે? માણસ તો એ નો એ જ હોય છે. પછી એમાં બદલાઈ શું જાય છે?  ઘણી વાર મેં લોકોને એમ કહેતા સાંભળ્યા છે. એ તો બદલાઈ ગયો છે. એતો હવે પહેલા જેવો રહ્યો નથી. મારા દોસ્ત જ્યારે મન માં એમ વિચાર આવે ત્યારે સમજ જો કે, એ તો એવો ને એવો જ છે. એની ગરજ અને તારો સમય બદલાઈ ગયો છે. - અશંક્ય

સમજવાની સમજણ

ભગવાન ત્યાં નથી જ્યાં તમે જોઈ રહ્યા છો, ભગવાન ત્યાં છે જેનાથી તમે જોઈ રહ્યા છો. - અશંક્ય

સલાહકાર કોણ છે

સલાહકાર બદલાય તોય માણસનું વર્તન બદલાતું હોય છે. કોઈ ને દોષ દેતા પહેલાં, તેમની આસપાસ ના સલાહકાર કોણ છે તે વિચારી જો જો. એ બદલાશે ત્યારે તેમનું વર્તન પણ બદલાશે.

|| શોક મોહ ભયા પહા ||

શોક, મોહ અને ભય થી દૂર થાય તો પ્રભુ મળે.  એમ શ્રીમદ્ ગીતા માં કહ્યું છે. આ વાત ને જો આપણે આપણા જીવન સાથે જોડીએ તો.... ભૂતકાળનો શોક ન કરવો, વર્તમાન નો મોહ ન રાખવો અને ભવિષ્યના ભય વગર જીવન જીવનાર હંમેશા સુખી થાય છે તે હકીકત છે. 

સ્વાસ્થ્ય લાભ

જેમ મશીન ને ચાલતું રાખવા તેલ પૂરવાની જરૂર પડે છે, તેમ આપણા શરીરને પણ સમય સમય પર તેલ પૂરવાની જરૂર છે. નાકમાં તલના તેલના ટીપા નાખવાથી સ્વાસ્થ્ય ને લાભ થાય છે. - શ્રી ચરક મહર્ષિ

સમય ની નદી

સમય ના પ્રવાહને ઓળખો, પૃથ્વી પર સમય પણ નદીની જેમ વહી જાય છે. હા સાચી વાત નદી ની જેમ જ. ક્યાંક ઝડપથી ક્યાંક નિરાંતે પસાર થતા આ સમય ની ગતિ ન્યારી છે. જે લોકો આ ઓળખી શકે છે તે દીર્ઘાયુ છે.

રાસ કોઈ નાચ નથી

રાસ શબ્દ સાંભળીએ એટલે એક નૃત્યનો ખ્યાલ આવે છે. એટલે આપણ ને લાગે કે ભગવાન શ્રી કૃષ્ણ એ ગોપીઓ સાથે આવો નાચ કર્યો હશે. ખોટી વાત. એ બધા ચિત્રો પણ ખોટા. રાસ એ નાચ નથી. કુંડલીની જાગૃત થયા પછી નું વૈશ્વિક શક્તિનું દિવ્ય નર્તન તે રાસ. શરીરનો નાચ નથી. રાસલીલા વખતે કૃષ્ણ પુરુષ નથી અને ગોપીઓ સ્ત્રીઓ નથી. આ જીવાત્માનું પરમાત્મા સાથે નું મિલન છે. અને આત્માના સ્તરે શરીરની જાતિ મહત્વની બનતી નથી. રાસ એ અશરીરી પ્રેમ છે. આપણે પ્રેમને માત્ર શરીર સાથે જોડ્યો છે. પ્રેમ જ્યારે કેવળ શરીર સાથે જોડાય ત્યારે તે પ્રેમ નથી રહેતો તે વાસના માં અધઃપતિત થતો હોય છે. વાસના ને માત્ર શરીર સાથે સંબંધ છે. પ્રેમ એ મનનો વિષય છે. અને એ પ્રેમ જ્યારે ઉચ્ચગતી પામે, દિવ્યતાને પામે ત્યારે એ ભક્તિ બને છે. અને ભક્તિ એ આત્માનો સંબંધ છે. રાસ એ ભક્તિનો પ્રકાર છે. રાસ એ ભક્તિની ઉચ્ચ અવસ્થા છે. રાસ એ ભક્તિ માર્ગનું ઉચ્ચતમ શિખર છે. પ્રત્યેક ભક્તના હ્રદયની સોનેરી ઇચ્છા, ક્યારે મારી એવી યોગ્યતા થાય અને ક્યારે મને શ્રીકૃષ્ણ સાથે રાસનો અનુભવ થાય. આ પ્રત્યેક ભક્તનું મધુર સ્વપ્ન છે. - પરમ પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યા ના સત્સંગથી પ્રાપ્...

લાંબું જીવો

વ્યસ્તતાના વાદળમાં વીંટાયેલા મારા વાચક મિત્રોને ફરી યાદ કરાવી દઉં કે શ્વાસ લેવો જરૂરી છે. તમે ક્યારે શ્વાસ લો છો તે તમને પણ ખબર હોતી નથી. પ્રાણવાયુ પ્રાણ બચાવે છે અને જીવન લંબાવે છે. શ્વાસ લો અને લાંબું જીવો.

બ્રહ્માંડ નો ભેદ

આ દુનિયા એક અજબ શક્તિથી ચાલે છે. હું ઘણા એવા સિદ્ધ લોકોને મળ્યો જેઓ આ દુનિયાનો ભેદ ઉકેલીને બેઠાં છે. એમનું કહેવું છે કે આ બ્રહ્માંડના અણુ અણુ ને એક બીજા સાથે સંબંધ છે અને એક-બીજાથી જોડાયેલા છે. જે હું પહેલેથી જ માનતો હતો અને મને વિશ્વાસ છે કે તે સાચી વાત છે. મંત્ર - તંત્ર - યંત્રોની શક્તિ સત્ય છે. આત્મા અને પરમાત્મા સત્ય છે. મેલી વિદ્યાના જાણકાર આજે પણ આ પૃથ્વી પર છે. અને મૂઠ મારી નાગને આંધળો કરનારા વાદી પણ છે. માનો કે ના માનો. જાત અનુભવ એ માહાન શિક્ષક છે.

આજ નો વેપલો

લોકોને મૂર્ખ બનાવવાનો વેપલો માંડ્યો છે મલ્ટીનેશન્સ કંપનીઓએ. આ મોબાઈલ ફોન વાળા તો ખાસ. તમારે જોઈએ કે ના જોઈએ, બસ લઈ જ લો. લોકોને શું થયું છે કંઈ ખબર નથી પડતી એક જ ઘર માં પાંચ - છ ફોન, બે ત્રણ ઇન્ટરનેટ..... ખર્ચાઓ નો પાર નથી. કોણ કમાય છે ને કોણ વાપરે છે.... કેમ આ આંધળી ડોટ મૂકે છે.... શું કમાઈ લે છે આ સગવડોના ઉપયોગ થી એ. ક્યાં જઈ ને અટકશે આ દેખા દેખીનું અને અનુકરણનું ચલણ?

પણ...

ગરમ પવન મને ઘેરી વળ્યો... સાવ સૂનકાર... સૂરજ તપતો હતો જાણે ભઠ્ઠી. શા માટે હું અહીં ઊભો છું? મને ખબર ન હતી. મારા મન અને આંખો પર એક અંધકાર છવાઈ રહ્યો હતો. શું ચાલી રહ્યું છે? મને કાંઈ ખબર ન હતી. બસ હું ઊભો હતો. અચાનક કોઈ મારી સામે આવ્યું... એ છોરા અહીં કેમ ઊભો છે? મેં શું જવાબ આપ્યો મને યાદ નથી. એ માણસ મને લઈ ક્યાંક ચાલવા લાગ્યો... થોડા આગળ ગયા પછી મને પૂછ્યું ભૂખ લાગી છે? મને યાદ નથી મેં શું કહ્યું. થોડે દૂર સુધી મારી સાથે ચાલ્યો અને પછી મને આંગળી થી એક દિશા તરફ ઇશારો કરી કહ્યું આમ ચાલ્યો જા. હું ચાલવા લાગ્યો... ક્યાં? મને ખબર નથી. હું બસ ચાલતો રહ્યો... થોડા સમય પછી હું થાકીને બેસી ગયો. મારા વિચારો બંધ હતા. મારી ઇચ્છાઓ શાંત હતી. કોઈ ચિંતા ન હતી. આખી પૃથ્વી જાણે ખાલી કરી ને લોકો ચાલ્યા ગયા હોય તેમ લાગતું હતું. ક્યાંય કોઈ ન હતું. મારી પણ કોઈને મળવાની ઇચ્છા ન હતી. બસ હું સૂઈ ગયો. ત્યાં ને ત્યાં.  આંખ ખૂલી તો અંધકાર... તારા ઓ ટમટમી રહ્યા હતાં. હવે જાણે પશુ પક્ષીઓની દુનિયા જીવંત થઈ હોય તેમ, ચિત્ર - વિચિત્ર અવાજ આવતા હતા. હું ક્યાંય જવા માગતો ન હતો. બસ ખોવાઈ જવાની જાણે ઇચ્છા હતી....

વેપારી કે ગુલામ

વેપારી સાહસ કરવાથી દૂર ભાગનારા લોકો, હંમેશા કોઈ ને કોઈ પ્રકારથી ગુલામ રહી જાય છે.

ભગવાન ને ઓળખો

જીવન, મૃત્યુ, આત્મા, પરમાત્મા, પાપ, પુણ્ય, સ્વર્ગ, નરક, કર્મ બંધન, મોક્ષ પાછળ વગર વિચાર્યે દોડ્યા કરતા, સર્વ પ્રથમ આ ઘડીની જીવન જરૂરિયાત ને મેળવવા માટેનો પ્રયત્ન એજ ધર્મ છે. ક્યારેય મહેનત કર્યા વિના કોઈને કંઈ પ્રાપ્ત થયું નથી. નસીબ, ગ્રહો, ભાગ્ય જેવી વ્યર્થ વાતોમાં સમય પસાર કરવા કરતા, અંધશ્રદ્ધાને પોષવા કરતા, પરિશ્રમ કરવો એજ ધર્મ છે. પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી. બીજા લોકોની મહાનતા ના વખાણ કરવામાં સમય પસાર કર્યા કરતા, પોતાને સક્ષમ બનાવવા નો પ્રયત્ન એજ ધર્મ છે. કર્મથી મોટો ગુરુ કોઈ નથી. કર્મથી મોટો ભગવાન કોઈ નથી. સત્કર્મ એ જ ભગવાન છે.

This Blog's Audience Stats by: google

Image
My Lovely Audience, Thanks for Reading my Blog :)

મફત મેળવો

ઘણા લોકોની આદત છે, માણસ કે મિત્રોના વખાણ કરવા નહીં, જો તેનાથી પોતાને કંઈ ફાયદો ના થવાનો હોય તો. અને જો મફત શબ્દ દેખાય તો બધું વાંચી લેવાનું જાણે શુંય ફાયદો થઈ જાય અને મઝા પડી જાય. અત્યાર સુધી ઘણા લેખ લખ્યા છે આ બ્લોગ પર, પણ એક ક્લિક કરી જોવાનીય તસ્દી લીધી નહીં. જ્યારે મફત મેળવો વાંચ્યું તો આવી ગયા. લોકોને આજ કાલ કોઈનાય જીવન સાથે કોઈ લેવા દેવા નથી. બસ મારો સ્વાર્થ સધાય એટલે પત્યું,  પોતાનો સ્વાર્થ સાધવા ટોળા ભેગાં કરતાં વાર નહીં કરે, તે માટે કંઈ મફત આપવું પડે તોય આપશે. આ સ્વાર્થ પૂરતાં ટોળાનો સમાજ છે.