બસ સ્ટેન્ડ


આ લોકો અહીં આવે છે અને બસમાં બેસી ચાલ્યા જાય છે. હા હું બસ સ્ટેન્ડ છું. મેં ઘણા લોકોને અહીં રહ્યે રહ્યે નાના-મોટા થતા જોયા છે. મેં કેટલાય લોકોની વાતો , જીવનની કહાણીઓ અહીં સાંભળી છે. મને ઘણીવાર હસાવતા અને રડાવતા આ મુસાફરો ક્યારેય મારી  સામે જોતા નથી. બસ એ તો હા એ બસ માટે જ તો આવે છે.

આ સફેદ બંડી વાળા કાકાને તો હું પાંત્રીસ વર્ષથી ઓળખુ છું. જ્યારે એમનો દીકરો અમેરિકાથી પાછો આવ્યો ત્યારે તેમને મેં સામેના રોડથી દોડીને બસ પકડતા જોયા હતા... હા ખૂબજ ખુશ હતા ત્યારે... જાણે હાલ દીકરો આવીને ભેટી પડશે.... ત્યારે અહીં ઊભેલા શરદભાઈ એ કહ્યું - એમનો દીકરો અમેરિકાથી આવી રહ્યો છે, એને લેવા માટે હવાઈમથક જઈ રહ્યા છે છનાલાલ - હા એમનું નામ છનાલાલ, હવે યાદ આવ્યું. છનાલાલ ત્યાર પછી ક્યારેય હસતા દેખવા મળ્યા નથી... મેં છેલ્લીવાર એમને કૂદકો મારીને હસતા હસતા બસમાં બેઠેલા જોયા... જ્યારે પાછા આવ્યા ત્યારે, ધીમાં પગલે ઘર તરફ ચાલતા જોયા હતા... થોડી વાર પછી કાન્તા કાકી અહીં આવ્યા હતા... એમની દીકરીના ઘેર જવા માટે. એ વાત કરતા હતા.. - ખરૂ થયું છનાલાલ સાથે. જૈમિનિ બેને પૂછ્યું શું થયું કાકી - - અરે છનાલાલ હોશે હોંશે એમના દીકરાને હવાઈમથક લેવા ગયા હતા.. પણ દીકરો તો, અહીં પહેલે થી જ ઘર ખરીદીને તેની પત્ની સાથે ત્યાં રહેવાની તૈયારી સાથે આવ્યો હતો.... બિચારાં છનાલાલને તો ખબર શુદ્ધા ન હતી. દીકરાએ જુના ઘરમાં રહેવા આવવાની ઘસીને ના પાડી. છનાલાલને આ ઘર એટલું પ્રિય છે કે ક્યાંય જવા ઇચ્છતા નથી. એમની વર્ષોથી એવી ઇચ્છા હતી કે દીકરો - વહુ અને અમે બધા આ ઘરમાં સાથે રહીશું.

એક દિવસ છનાલાલની સાથે વિજયભાઈ અહીં ઊભા હતા. એમને કહેતા હતા. અરે છનાકાકા જમાનો બદલાઈ ગયો છે. દીકરો હોય તો જુદો રહે અને દીકરી હોય તો સાસરે જાય એમાં આટલું દુઃખી શું થવાનું. છનાકાકાને આ જમાનો બદલાઈ ગયો છે તે વાત ગળે ઊતરે તો છનાકાકા દુઃખી શા માટે રહે. તેમને ક્યાં કંઈ વિચારવું છે. જમાના ને અને કાકાને કાંઈ લેવા-દેવા નથી. એતો એ ભલા ને એમનું કામ. છના કાકા વિજયને કહે - વિજય તું મને જમાનો બદલાઈ ગયો છે એમ કહે છે, ક્યારેય આ મા-બાપનો પ્રેમ બદલાય છે? મારો દીકરો છે એ... મેં એને જન્મ આપ્યો છે... મેં એને જીવતા શિખવાડ્યું છે. મેં આ હાથે જ્યારે એ સાજો-માંદો હોય ત્યારે એની ચાકરી કરી છે. ક્યારેય એને ના ગમે એવી વસ્તુ મેં કરી નથી. હજી મારા મનમાં એના માટે એટલોજ પ્રેમ છે, જેટલો એને મારા પ્રત્યે. હું આ જમાને જે થવું હોય તે થાય બદલાવવાનો નથી. મારે મારા જમાનામાં જ રહેવું છે. વિજય તુ શું જાણે બાપનો પ્રેમ શું હોય. ક્યારેક મારી જગ્યાએ.... જવા દે .... તારી સાથે વાત કરી ને શું ફાયદો. થોડી વાર શાંત રહ્યા છનાકાકા અને બસમાં બેસી ક્યાંક ચાલ્યા ગયા...

આશું છનાકાકાના પત્ની..... એમને શું થયું.... અને આ એમની સાથે કોણ છે..? અહીં જ આવતા લાગે છે. જસીબેન અહીં ઊભા હતા એમણે પૂછ્યું જમનાભાભી ક્યાં જાવ છો? આમ દુઃખી કેમ લાગો છો? ક્યાં નહીં બેન, એમને કંઈ થઈ ગયું છે. મને હોસ્પિટલ માંથી ફોન હતો. મને ત્યાં બોલાવે છે. આ સુરેશભાઈ તમારી સાથે આવે છે ને... કાંઈ ચિંતા ના કરશો. કંઈ કામ હોય તો મને ફોન કરજો. બસ ની રાહ જોયા કરતા જે પહેલી રિક્ષા મળે તેમાં બેસી જાવ. હા બેન એવું જ કરવું પડશે... કાકી તો રિક્ષામાં બેસી ચાલ્યા ગયા....

મને ચિંતા થાય છે, સવારે જ વિજય ભાઈ સાથે દુઃખી થઈને વાતો કરતા હતા કાકા.... હવે હોસ્પિટલમાં.... શું થયું હશે કાકાને.... કેમ કાકી હજી રાત પડી તોય પાછાં નથી આવ્યા.... હવે તો બસો બંધ થવાનો પણ સમય થઈ ગયો છે....

અંધકાર ચારે તરફ વ્યાપી ગયો છે. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે... ઝાડ પાન નો અવાજ સંભળાઈ રહ્યો છે. ચીબરી અને ઘુવડ નો અવાજ પણ ક્યાંક ક્યાંક આવે છે. કૂતરા ભસી રહ્યા છે..... દૂર વહી રહેલી નદી દિવસે તો ક્યાંક ખોવાઈ જ્યા છે. પણ અત્યારે મને તેના પાણી અવાજ પણ આવી રહ્યો છે.... આ....હ... છનાલાલ ને શું થયું હશે.... કોઈ સવાર પહેલા તો આવવાનું છે નહીં અહીં. મારે સવાર સુધી રાહ જોવી પડશે....

ઓ... હ... સવાર પડી ગઈ... અહીં લોકોની અવર-જવર ચાલુ થઈ  ગઈ છે.... કોઈ છનાકાકા વિશે વાત કરે તેની હું રાહ જોઈ રહ્યો છું. . . . કેમ કોઈ છનાકાકા કે કાકી ની વાત નથી કરતું... એમના દીકરાએ એમને ભેગાં રહેવા બોલાવી લીધા કે..... પણ કપડાનો થેલો લેવા તો આવે ને ? બપોર થઈ તોય કોઈ કાંઈ વાત કરતું નથી.

પંદર દિવસ વીતી ગયા.....

સફેદ રંગની મોટર છનાકાકાના ઘર તરફ ગઈ.... અને પાછી જે રસ્તે આવી તે રસ્તે ચાલી ગઈ.....

કોઈ કહેતું હતું કે... છનાકાકાને લકવો થઈ ગયો છે... તે હવે હરી ફરી શકતા નથી... કાકી તેમની સેવા કરે છે... દીકરો પૈસા મોકલવાની ના પાડે છે... છનાકાકાએ તેમના રિટાયરમૅન્ટ માં મળેલી રકમ અને જમા કરેલા પૈસા ખર્ચીને તેને અમેરિકા મોકલ્યો હતો... હવે પ્રશ્ન છનાકાકા અને કાકીને જીવવા માટે પૈસા ક્યાંથી આવશે તે છે.....

આવા એક નહીં મેં ઘણા છનાકાકાઓ ના કિસ્સા અનુભવ્યા છે... ફરી મોકો મળશે તો કહીશ.

Popular posts from this blog

પ્રેમ અને નોકરી

પ્રેમ ને વહેવા દો…

અજાણતા...