પૃથ્વીનો છેડો ઘર


ઓહ... આ શું વાગી રહ્યું છે મને? હું ક્યાં છું? આ શેની પર હું ઊંઘતો હતો? આ....હ.... મારો પગ..... ક્યારે વળી ગયો હશે ઊંઘમાં?

થોડી વાર પછી મને યાદ આવ્યું કે  મેં ઘર છોડી દીધું છે. હું દીપૂભા ની ફૅક્ટરી પર સૂતો હતો. ક્યાં રહેવું કે કોના ઘેર જવું કંઈ સમજાતું ન હતું ત્યારે દીપૂભા મળ્યા ચાલો મારા ઘેર એમના ભાઈ એક ચોકીદાર હતા કોઈ મોટા કોમ્પ્લેક્સમાં અને તે જ કોમ્પ્લેક્સમાં દીપૂભા ની ફૅક્ટરી. ફૅક્ટરી એટલે એક 12 ફૂટ નો ચોરસ રૂમ. જેમાં પ્લાસ્ટિક ના દાણા અને ડાઈ થી ભરેલા કોથળાની વચ્ચે હું ઊંઘ્યો હતો.

મારી ચા.... મારુ દાતણ.... મારો રૂમાલ... મને પાણી ગરમ કોણ મૂકી આપશે.... મારે નાહ્યા પછી તરત નાસ્તો જોઇશે... અરે ક્યાં ગયા દીપૂભા... દીપૂભા... હા ઉપર જવા દે મને, એમના ઘેર. એમનું ઘર એટલે એ બિલ્ડીંગના ધાબા પર નો એક રૂમ. મેં ઉપર જઈને પૂછ્યું ક્યાં છે દીપૂભા. એ તો મંદિર ગયા છે. ઓહ... સારુ મારે સ્નાન કરવું છે. હા નીચે આપણી ઓફિસ છે ત્યાં જાહેર શૌચાલય છે ત્યાં જ..... ઓ...હ હું .... હું ... ક્યાં આવી ગયો છું . મારુ ઘર મને ખૂબ યાદ આવી રહ્યું છે. પણ પિતા સાથે જ્યારે હું તકરાર કરીને નીકળ્યો ત્યારે મને ખબર ન હતી કે ઘર નું શું મહત્વ હોય છે.

હું પાછો નીચે ગયો સ્નાન કરવાની ઇચ્છા ન હતી પણ એ પ્લાસ્ટિકના કોથળાઓ વચ્ચે ઊંઘ્યા પછી અને પંખા વગરના રૂમમાં... મારા શરીર ઉપર પરસેવો હતો. મારે નાહવું પડે તેમ હતું. મેં મારા થેલામાંથી કપડા અને રૂમાલ કાઢ્યો, હજી મને ચા કે નાસ્તા નું કોઈએ પૂછ્યું હતું. ના મારા કપડા ને કોઈએ ઇસ્ત્રી કરી આપી કે ના કોઈએ મને ઊઠવા માટે બૂમ પાડી. ગુસ્સામાં ને ગુસ્સામાં મારુ વાહન, મારુ હિરો પુક પણ હું ઘેરથી લીધા વગર નીકળી ગયો હતો. મારે ઓફિસ પણ જવાનું હતું. હું શું કરૂ મને કંઈ સમજાતું ન હતું. મારી જાત પર મને ખૂબજ ગુસ્સો આવી રહ્યો હતો, જોર જોર થી રડવાનું મન થઈ રહ્યું હતું. પણ હવે એક વાર બોલીને નીકળ્યો કે પાછો નહીં ફરું.. આઆઆઆઆઆઆઆઆહહહહહ શું જરૂર હતી ઘર છોડવાની. મને ત્યારે સમજાયું કે ઘર - પરિવાર કોને કહેવાય.

જેમ તેમ કરી સ્નાન કર્યું. તૈયાર થઈ નીચે ઊતર્યો ચા ની શોધમાં. એક કીટલી દેખાઈ જ્યાં થોડા લોકો છાપું વાંચતા હતા. નજીક ગયો તો દીપૂભા છાપાની પાછળ થી નીકળ્યા. અરે દીપૂભા ક્યાં હતા તમે. હું તો ગાંડો થઈ ગયો યાર. મને કેમ એવું લાગે છે કે હું જાણે અનાથ થઈ ગયો છું? મારે કોઈના ખભે માથુ મૂકીને રડવું હતું. પણ મારે ઓફિસ જવાનું મોડું થતું હતું એટલે હું રડી ના શક્યો....

હું ઓફિસ ગયો તો જાણે વાતાવરણ જ જૂદૂ હતું. મારો દિવસ ક્યાં જવું ? ક્યાં રહેવું ? શું ખાવું ? કેટલા રૂપિયા જોઇશે? ભાડે મકાન શોધવું ? ક્યાં ? કોણ ?  આ બધું વિચારવા માં જ પસાર થઈ ગયો.  ક્યારે સાંજ પડી ગઈ ખબર જ ના પડી. મારે આજે દીપૂભાની ફૅક્ટરી માં સૂવાનો જરાય વિચાર ન હતો. મેં ત્યાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો. હું મારો થેલો લઈ ત્યાંથી નીકળ્યો. ક્યાં જઈશ ? એ પ્રશ્ન ને વાગોળ્યા કર્યો.

એક મિત્ર હતો નડિયાદમાં એને ફોન કરી વાત કરવાનો વિચાર આવ્યો. એને ફોન જોડ્યો. એની સાથે વાત કરી. નડિયાદ જવા નીકળી ગયો. એના ઘેર થી અમદાવાદ મારે રોજ ટ્રેનમાં મુસાફરી કરવી પડશે, ઓફિસ આવવા માટે. પણ રહેવા માટે બિજો કોઈ રસ્તો હતો નહીં. મારી પાસે ફક્ત પાંચસો રૂપિયા હતા. જે ક્યારે વપરાઈ જશે તે નક્કી ન હતું. હું નડિયાદ પહોંચ્યો, મને એક રૂમ માં ઉતારો આપ્યો. થોડી રાહત થઈ મને કે, હું ફૅક્ટરી માંથી છૂટ્યો. મોડી રાત સુધી બીમલ સાથે ગપાટા માર્યા અને અમે સૂઈ ગયા. મારે સવારે ઊઠીને પાછા ઓફિસ જવાનું હતું. હું ત્યાંથી ટ્રેનમાં રોજ આવવા જવા લાગ્યો ક્યારેય આટલી મુસાફરી કરી ન હતી એટલે હું થોડા દિવસમાં એટલે કે પાંચ દિવસમાં જ થાકી ગયો.

એ રાત્રે મને તાવ ખૂબજ હતો મારી સારવાર માં કોઈ હતું નહીં. મને બીમલે એક તાવની ગોળી આપી અને હું આખી રાત ઘરના વિરહ માં જાગતો રહ્યો. આજે વળી પાછું મને મારુ ઘર યાદ આવી રહ્યું હતું. મારે તો હવે ઘેર જ જવું છે. કોઈ કાંઈ ન કરે તોય ઘર માં હોવાથી સુરક્ષિત હોવ તેમ લાગે છે. જ્યારે ઘરની બહાર અનાથ કે ભટકતું જીવન જીવનારા અસુરક્ષિત પરદેશી જેવી લાગણી થાય છે.

સવારે ઊઠીને પહેલા ઘેર ફોન કર્યો અને મારો થેલો લઈ હું ઘર તરફ રવાના થયો. એ દિવસથી આજ સુધી ક્યારેય મેં ઘર છોડવાનો વિચાર કર્યો નથી.

Comments

Popular posts from this blog

પ્રેમ ને વહેવા દો…

અજાણતા...